શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (IPS) તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધીક્ષક ડૉ. હરેશભાઈ દુધાત (IPS) નાઓએ પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ખાસ સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે ગોધરા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક બ્રીન્ડા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સુપરવિઝનમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન શહેરા પોલીસ સ્ટાફના માણસોને ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વાહન વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનું છે. બાતમીના આધારે શહેરા-સંભાળી ગામ જવાના રોડ પર નાકાબંધી કરીને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક હ્યુન્ડાઈ ક્રેટા ફોર-વ્હીલર કારને અટકાવી તેની સઘન તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૯૦૨ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂપિયા ૩,૩૨,૩૭૬/- જેટલી થાય છે.
પોલીસે દારૂના આ મસમોટા જથ્થા સાથે કારના ચાલક સોહનસિંહ ફતેસિંહ સિસોદિયા (ઉંમર ૩૨, રહે. અદવાસ ધીમડી ફળિયું, તા. સરાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) ની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન આ ગુનામાં અન્ય સંડોવાયેલા આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવિ માનસિંહ સિસોદિયા (રહે. રાજસ્થાન) અને દારૂનો જથ્થો મંગાવનાર અજ્ઞાત ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.