રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફરાર: એક પરત ફર્યો, બાકીના 10ની શોધમાં પોલીસની દોડધામ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

CCTV કેમેરા તોડી અને વ્યૂહરચના બનાવી નાસી છૂટ્યાનો પ્રાથમિક ખુલાસો, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

રાજકોટ: શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી 11 કિશોરો ફરાર થઈ જતાં તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોરોએ રવિવારે સવારે સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી ભાગી જવાની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે ભાગી ગયેલા કિશોરોમાંથી એક કિશોર પરત ફરી આવ્યો છે, જ્યારે બાકીના 10 કિશોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હતી. કિશોરોએ ભાગવા માટે ચોક્કસ વ્યૂહરચના ઘડી હતી. સૌપ્રથમ સંરક્ષણ ગૃહના ત્રણ રૂમ ઉપર લગાવવામાં આવેલા CCTV કેમેરાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એક કિશોરે પોતે ઇજાગ્રસ્ત થયો હોવાનું નાટક કરીને વોર્ડનનું ધ્યાન ભટકાવ્યું હતું. આ દરમિયાન અન્ય કિશોરોએ રૂમની લોખંડની જાળી તોડી નાસી છૂટવાનો પ્રયાસ સફળ બનાવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સંરક્ષણ ગૃહમાં કુલ 54 જેટલા કિશોરો રહે છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

CCTV અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ

ફરાર કિશોરોને શોધવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પણ કિશોરોની ભાળ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પરત ફરેલા એક કિશોરે પોલીસને આપેલી માહિતી મુજબ, ફરાર થયેલા કિશોરો બે અલગ-અલગ જૂથમાં વહેંચાઈને ભાગ્યા હતા. આ માહિતીના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

સુરક્ષા વ્યવસ્થા પર ઊભા થયા પ્રશ્નો

આ સમગ્ર ઘટનાએ બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. કિશોરોએ આટલી સુનિયોજિત રીતે ભાગવાની યોજના ઘડી હોવા છતાં સુરક્ષા કર્મચારીઓને તેની જાણ ન થવી અનેક પ્રશ્નો ઊભા કરે છે.

ઉલ્લેખનીય છે કે બાળ સંરક્ષણ ગૃહનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કિશોરોને સુધારીને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવાનો હોય છે. અહીં મૈત્રીપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મચારીઓ પણ સામાન્ય વેશભૂષામાં ફરજ બજાવતા હોય છે.

હાલ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ફરાર કિશોરોને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે સતત કામગીરી કરી રહી છે. કિશોરો મળી આવ્યા બાદ તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



આ પણ વાંચો :-