પાવાગઢની તળેટીમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

મહાશિવરાત્રિના પર્વે પાવાગઢના સરપંચ શ્રી રવિભાઈ ગઢવીના હસ્તે ઉદઘાટન સંપન્ન…

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પકવેલા તાજા શાકભાજી, પપૈયા અને ધાન્ય પાકો સાથે હોળી માટે કેસુડાના ફૂલોનું પણ થશે વેચાણ…

પંચમહાલ,સોમવાર:: મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ખેડૂતો અને ગ્રાહકોના હિતમાં એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવિનભાઈ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ, આત્મા પ્રોજેક્ટ (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની હાલોલ ટીમ દ્વારા પાવાગઢ બસ સ્ટેશન પાસે ‘દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’ નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ વેચાણ કેન્દ્રનું ઉદઘાટન પાવાગઢ ગામના સરપંચ શ્રી રવિભાઈ ગઢવીના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના આસી. ટેક્નોલોજી મેનેજર, કોમ્યુનિટી રિસોર્સ પર્સન પર્વતભાઇ, કાળુભાઈ તેમજ ખેડૂતમિત્ર ગણપતભાઇના વિશેષ સાથ સહકારથી આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.

આ કેન્દ્ર પર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પકવેલા તાજા શાકભાજી, પપૈયા, વિવિધ ધાન્ય પાકો તેમજ અન્ય કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. રાસાયણિક ખેતી મુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળી રહે તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આગામી હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાને રાખીને અત્યારથી જ આ કેન્દ્ર પર કેસુડાના ફૂલોનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. કેસુડાના ફૂલો માત્ર કુદરતી રંગ બનાવવા જ નહીં, પરંતુ ચામડી સંબંધિત રોગો, પેશાબના દર્દ અને પથરી જેવી બીમારીઓમાં પણ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ રાહત આપે છે.

આ વેચાણ કેન્દ્ર શરૂ થવાથી પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોને શુદ્ધ અને સાત્વિક આહારની સાથે પ્રાકૃતિક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે.