ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ, તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા સૂચના

પંચમહાલ: આગામી 21 જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ભવ્ય અને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે, જે માનવજાતને આરોગ્ય, માનસિક શાંતિ અને સુખાકારી તરફ દોરી જાય છે. યોગ દિવસની ઉજવણી જિલ્લામાં વ્યાપક જનભાગીદારી સાથે સફળતાપૂર્વક થાય તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધીને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની રહેશે.
કલેક્ટરશ્રીએ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળો તેમજ તાલુકા અને સ્થાનિક સ્તરે પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવા સૂચના આપી હતી. ખાસ કરીને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે જરૂરી જનજાગૃતિ લાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત રહે તે માટે મેડિકલ ઈમરજન્સી ટીમો તૈનાત રાખવા તેમજ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર અને જિલ્લા રમત-ગમત અધિકારીને પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસના આયોજન, તાલીમ અને સંચાલન પર વિશેષ દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તાલુકા કક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણીને આરોગ્ય, ફિટનેસ અને જનજાગૃતિના મહોત્સવ તરીકે ઉજવવા માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
