ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ 30 જૂન સુધી અરજી કરી શકશે

પંચમહાલ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ નાગરિકોના શૈક્ષણિક વિકાસ, સામાજિક પુનઃસ્થાપન અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા માટે ‘દિવ્યાંગ સાધન સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાયકાત ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
યોજનાનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરૂરિયાત મુજબના સહાયક સાધનો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી તેમના જીવનને વધુ સરળ અને સ્વાવલંબી બનાવવાનો છે. યોજના હેઠળ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ પ્રકારના આધુનિક અને ઉપયોગી સાધનો આપવામાં આવશે.
યોજના હેઠળ મળવાપાત્ર સહાયક સાધનો
દ્રષ્ટિહીન (અંધત્વ) ધરાવતા લાભાર્થીઓ માટે:
- સ્માર્ટ કેન
- સ્માર્ટ ફોન
- વિઝ્યુઅલ ઇમ્પેયર્ડ કિટ
- બ્રેઈલ કિટ
શ્રવણ ક્ષતિ ધરાવતા લાભાર્થીઓ માટે:
- બંને કાન માટે હિયરિંગ એઇડ (BTE)
ઓછી દ્રષ્ટિ ધરાવતા લાભાર્થીઓ માટે:
- વિશેષ ચશ્માં
બૌદ્ધિક અસમર્થતા ધરાવતા લાભાર્થીઓ માટે:
- ઉંમર મુજબ TLM કિટ
કુષ્ઠરોગમુક્ત લાભાર્થીઓ માટે:
- ADL કિટ
- મોબાઈલ ફોન
અસ્થિ વિષયક દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટીપલ ડિસેબિલિટી ધરાવતા લાભાર્થીઓ માટે:
- વ્હીલચેર
- ટ્રાયસિકલ
- વોકિંગ સ્ટિક
- એલ્યુમિનિયમ કાખઘોડી
- એલ્બો ક્રચ
- કેલિપર્સ
- કૃત્રિમ અંગો
- અન્ય જરૂરી સહાયક સાધનો
અરજી કરવાની પ્રક્રિયા
લાભાર્થીઓએ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 30 જૂન, 2026 નક્કી કરવામાં આવી છે.
વધુ માહિતી માટે સંપર્ક
યોજના અંગે વધુ માહિતી, માર્ગદર્શન અથવા કોઈપણ પ્રકારની મદદ માટે લાભાર્થીઓએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગોધરા (જિલ્લો પંચમહાલ)નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
દિવ્યાંગ નાગરિકોને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારની આ યોજના મહત્વપૂર્ણ સાબિત થશે.
