ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ, શુક્રવાર : પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકાની પુરવઠા ટીમે મસવાડ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જય જલારામ મિશન સ્વસહાય જૂથ સંચાલિત આ રેશન દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે તેમજ રૂા. 1,83,957 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
તા. 19/02/2026ના રોજ પુરવઠા વિભાગ દ્વારા કરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ સામે આવી હતી. તપાસમાં ઘઉંમાં 980.666 કિલો, ચોખામાં 2053.280 કિલો અને ખાંડમાં 199.435 કિલોની ઘટ માલૂમ પડી હતી.
આ ઉપરાંત દુકાન પર ભાવ અને જથ્થાનું બોર્ડ ન મૂકવું, અનાજના નમૂનાઓ ન રાખવા, NFSA રેશનકાર્ડ ધારકોની યાદી પ્રદર્શિત ન કરવી તેમજ ફરિયાદ પેટી ન રાખવા જેવી અનેક બેદરકારીઓ પણ સામે આવી હતી. ગ્રાહકોને કૂપન ન આપવાના અને મળવાપાત્ર જથ્થાની માહિતી છુપાવવાના આક્ષેપો પણ નોંધાયા હતા.
આ મામલે સંચાલક નરેશભાઈ નગીનભાઈ પરમારને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેઓ યોગ્ય ખુલાસો કે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારીએ પરવાનો કાયમી રદ કરવાનો તેમજ દંડ વસૂલવાનો આદેશ કર્યો છે.
જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, વ્યાજબી ભાવની દુકાનો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અનાજના કાળા બજાર તથા ગેરરીતિઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.