લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ પ્રજાહિતલક્ષી કાર્યો, શિક્ષણ, આંગણવાડી, પ્રિ-મોન્સુન તૈયારીઓ અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારી સચિવ કે. એલ. બચાણીએ શિક્ષણને વિકાસનો મજબૂત પાયો ગણાવતા જણાવ્યું હતું કે, “શિક્ષણનો પાયો મજબૂત હશે તો જ સમાજ અને જિલ્લો વિકાસના માર્ગે આગળ વધી શકશે.” તેમણે ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ પહેલા સર્વે કામગીરી પૂર્ણ કરવા, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળકોને ફરી શાળામાં લાવવા માટે સઘન પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત ‘ઉલ્લાસ નવભારત અભિયાન’ હેઠળ જરૂરિયાતમંદ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ ‘પ્રોજેક્ટ સહકાર’ અંતર્ગત ‘એડોપ્ટ આંગણવાડી’ અભિયાનમાં વધુ સક્રિયતા દાખવવા પર ભાર મૂકાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડી માટે કાર્ય કરવું એ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો ઉત્તમ માર્ગ છે.
નાગરિકોને સરકારી યોજનાઓની સરળ માહિતી મળી રહે તે માટે ‘મારી યોજના’ પોર્ટલનો વધુમાં વધુ પ્રચાર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, જેથી છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ પહોંચી શકે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરી અંગે પણ પ્રભારી સચિવે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
ભૂતકાળના ડેટાના આધારે પૂર, વરસાદ અને આપત્તિપ્રવણ વિસ્તારોમાં આગોતરું આયોજન કરવા, આપદા મિત્રોની યાદી અપડેટ રાખવા તેમજ જરૂરી સાધનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન માર્ગ-મકાન વિભાગ, વન વિભાગ, MGVCL સહિતના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લાના નેગેટિવ સમાચાર અને લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી તાત્કાલિક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર તેમજ જિલ્લા સંકલન સમિતિના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.