ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે બાગાયત વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરવાની સમયમર્યાદા: ૨૭/૦૩/૨૦૨૬ થી ૨૬/૦૪/૨૦૨૬ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન કરવાની રહેશે.
ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના ઈ-ગ્રામ સેન્ટર પર VCE મારફત અથવા ઈન્ટરનેટના માધ્યમથી જાતે નોંધણી કરાવી શકશે.
આ યોજના અંતર્ગત કૃષિ યાંત્રિકીકરણ, હાઈબ્રિડ શાકભાજી વાવેતર, પ્રાકૃતિક ખેતી, શાકભાજીના માંડવા (કાચા-પાકા), સ્વરોજગારલક્ષી નર્સરી, પેકિંગ યુનિટ, વિવિધ ફળપાકો (આંબા, જામફળ, ટીસ્યુ કલ્ચર કેળ, કમલમ), મધમાખી પાલન, ગ્રીન હાઉસ/નેટ હાઉસ સહાય અને મહિલાઓ માટેની તાલીમ જેવા અનેક ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અરજી પ્રક્રિયા અને જરૂરી સૂચનાઓમાં નવા અને જૂના નોંધાયેલા તમામ ખેડૂતોએ પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન ફરજિયાતપણે કરવાનું રહેશે.ઓનલાઇન અરજી કર્યા બાદ જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે.યોજનાની મંજૂરી મળ્યા બાદ, ક્લેઈમ સબમિટ કરતી વખતે સહી કરેલી પ્રિન્ટ અને જરૂરી પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, સેવાસદન-૨, બીજો માળ, રૂમ નં. ૯-૧૨, ગોધરા, જિ. પંચમહાલ.ફોન નં: ૦૨૬૭૨-૨૪૦૦૩૯ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાના રહેશે.
આમ, પંચમહાલ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તેવો બાગાયત વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.