પંચમહાલમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સામૂહિક સંકલ્પ લેવાયો

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Panchmahal: પંચમહાલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રીશ્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત વડાપ્રધાનશ્રીના દેશવ્યાપી સંબોધનને નાગરિકોએ વર્ચ્યુઅલી નિહાળ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી, મહાનુભાવો અને નગરજનોએ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ રાજ્યનું સુકાન સંભાળ્યું હતું. તેમના સફળ શાસન અને સેવા યાત્રાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ ભારત માતાના જયઘોષ સાથે ઉપસ્થિત જનમેદનીને ઉત્સાહપૂર્વક સંબોધન કર્યું હતું. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવા અને કાર્યકાળની સરાહના કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ અંત્યોદય સુધી વિકાસ યોજનાઓ પહોંચી રહી છે.

શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરતાં તેમણે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, C.H.C./P.H.C. દ્વારા આરોગ્ય સુવિધાઓ, કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સીધી આર્થિક સહાય અને ગરીબોને મફત અનાજ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવા માટે સૌને એકજૂથ થઈ સહયોગ આપવા અપીલ કરી હતી.

છોટાઉદેપુરના પૂર્વ સાંસદશ્રી ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના ૧૪૦ કરોડ લોકો માટે રાત-દિવસ કામ કરીને વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ ભેદભાવ વગર છેવાડાના માનવી સુધી કિસાન સન્માન નિધિ, મફત અનાજ, વિધવા પેન્શન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ પહોંચાડવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌ લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક ઉદબોધનને રસપૂર્વક સાંભળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.

ત્યારબાદ ‘સેવા જ્યોતિ યાત્રા’ રથનું દીપ પ્રાગટ્ય કરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પ્રસ્થાન થઈને ચર્ચ, પાંજરાપોળ, LIC ચોક અને LIC સર્કલ થઈને કલાલ દરવાજા ખાતે સમાપ્ત થઈ હતી.

આ કાર્યક્રમ દરમિયાન ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના વરદહસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નીરજભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ફતેસિંહ ચૌહાણ, શ્રી સી. કે. રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા અગ્રણી શ્રી મયંક દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રણવ વિજયવર્ગીય, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-