ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Paris: ફ્રાન્સમાં શિક્ષણ ક્ષેત્રે વધુ બજેટ ફાળવવાની માગ સાથે જેન-ઝી દ્વારા શરૂ કરાયેલ વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ આંદોલન દેશના અનેક વિસ્તારોમાં ફેલાયું છે. મંગળવારે હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને અન્ય લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ દરમિયાન અનેક શાળાઓ બંધ કરવી પડી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને બજેટ વધારવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. પોલીસના બળપ્રયોગ બાદ કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓ વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસ તથા પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન અનેક વાહનોને આગ લગાવવાના બનાવો પણ સામે આવ્યા હતા.
વિરોધમાં વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના માતા-પિતા અને શિક્ષકો પણ જોડાયા હતા. પેરિસમાં વિરોધ કરી રહેલા એક વિદ્યાર્થી રોબર્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે ફ્રાન્સની શાળાઓની સ્થિતિ ખરાબ છે. શાળાઓમાં પાણી લીકેજ અને ઉંદરોના ત્રાસ જેવી સમસ્યાઓ છે. તેમના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે સરકારે બજેટમાં વધારો કરવો જરૂરી છે.
વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૬૧૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ફ્રાન્સના ન્યાય મંત્રાલય અનુસાર, પ્રદર્શનોમાં સામેલ ૧૪૮૩ સગીરો સહિત ૧૮૦૦ લોકો સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
હિંસા રોકવા માટે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે શેલ સીધા વિદ્યાર્થીઓ તરફ જઈને ફૂટતાં કેટલાક વિદ્યાર્થીઓએ હાથ ગુમાવ્યા છે. ફ્રાન્સમાં મંગળવારે આશરે ૮૯૧ શાળાઓ બંધ કરવી પડી હતી.
આંદોલન ઉગ્ર બનતા દબાણમાં આવેલી ફ્રાન્સ સરકારે શિક્ષણ બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી નથી, પરંતુ જેન-ઝીના વિરોધને શાંત કરવા માટે હવે ઓનલાઈન ફરિયાદો સ્વીકારવાની શરૂઆત કરી છે. ફ્રાન્સ સરકારના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
