આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાનું સન્માન… મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવોર્ડ આપી કરાયું સન્માન…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે સામાજિક મહિલા કાર્યકર સોનલબેન પંડ્યાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સોનલબેન પંડ્યાએ સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક અને અવિરત કાર્ય કરીને લોકોના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવવો, પીડિતાને ન્યાય અપાવવા પ્રયત્ન કરવો અને નિરાધાર લોકોને સહારો આપવો તેમના કાર્યનો મુખ્ય અભિગમ રહ્યો છે.મહીસાગર જિલ્લાના અંતિમ વિસ્તારોમાં આવેલા ગામો અને શાળાઓ સુધી પહોંચી તેઓ મહિલાઓ અને દીકરીઓને જાગૃત કરવા માટે સતત કાર્યરત છે. “નારી તું નારાયણી”નો સંદેશ માત્ર શબ્દો સુધી સીમિત ન રહી મહિલાશક્તિની અખૂટ શક્તિ અને સર્જનાત્મકતાનું પ્રતિબિંબ તેમના કાર્યમાં જોવા મળે છે.કોઈ પણ દીકરી કે સ્ત્રી મુશ્કેલીમાં હોય ત્યારે સોનલબેન પંડ્યા સમયની પરવા કર્યા વગર મદદ માટે પહોંચી જાય છે અને તેમને ન્યાય મળે તે માટે મજબૂત અવાજ ઉઠાવે છે. તેમના આ પ્રયત્નોથી અનેક બહેનોને નવી આશા અને આત્મવિશ્વાસ મળ્યો છે.