ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ખંભાત તાલુકાના ૫૦ જેટલા ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશને ઘટાડી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાના ઉમદા હેતુ સાથે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ખંભાત તાલુકાના આશરે ૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો માટે એક વિશેષ ‘પ્રેરણા પ્રવાસ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાન્ત ગુર્જર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક કુ. રવિના પી. અમીપરા તથા મદદનીશ પ્રાધ્યાપક શ્રી સનત પટોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રવાસ દરમિયાન ખેડૂતોને યુનિવર્સિટીના પ્રાયોગિક ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. સિનિયર રિસર્ચ ફેલો કુ. બિનલ ગજેરા દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉપયોગી એવા વિવિધ બાયો-ઇનપુટ્સ (Bio-inputs) તૈયાર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જીવંત નિદર્શન સાથે વિગતવાર સમજ આપી હતી.

મેનેજમેન્ટ એક્સપર્ટ શ્રી દિવ્યેશ પુરોહિત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે ખાસ કરીને પંચસ્તરીય ખેતી મોડેલ અને મિશ્ર પાક પદ્ધતિ દ્વારા કેવી રીતે ઓછા ખર્ચે અને મર્યાદિત જમીનમાં વધુ આવક મેળવી શકાય, તે અંગે વિસ્તૃત ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી.

આ પ્રવાસના અંતે ખેડૂતોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રવાસથી તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે નવું બળ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો છે. આ આયોજન દ્વારા ખંભાત પંથકના ખેડૂતોમાં ખેતીના ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી કરવા પ્રત્યે જાગૃતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.