નસવાડીની PPS ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિમય ઉજવણી, વિદ્યાર્થીઓએ ગુરુજનો અને માતા-પિતાને અર્પ્યું સન્માન…

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડી સ્થિત PPS ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે મળીને ગુરુજનો તેમજ માતા-પિતાના અવિસ્મરણીય યોગદાનને સમર્પિત વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

કાર્યક્રમની વિશેષ આકર્ષણરૂપે વિદ્યાર્થીઓએ સફેદ રૂમાલ પર માતા-પિતા અને ગુરુજનોના “કંકુ પગલા” કરાવી વિશેષ પૂજા-વિધિ દ્વારા તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ અનોખી પરંપરાએ સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક અને પ્રેરણાદાયી બનાવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના શિક્ષકમંડળે લાંબા સમયથી આયોજનબદ્ધ મહેનત કરી હતી. પ્રિન્સિપાલ સહિત તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાથે જ સ્કૂલની વહીવટી ટીમ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ પણ આયોજનમાં સક્રિય સહયોગ આપ્યો હતો.

સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, “ગુરુ પૂર્ણિમા માત્ર શિક્ષકોનું જ નહીં, પરંતુ માતા-પિતાના અમૂલ્ય યોગદાનને પણ સન્માન આપવાનો પવિત્ર દિવસ છે. વિદ્યાર્થીઓ દ્વારા ભાવપૂર્વક રજૂ કરાયેલ પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અત્યંત સુંદર, સંસ્કારસભર અને પ્રેરણાદાયી રહ્યો.”

સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સંસ્કાર અને ગુરુ-શિષ્ય પરંપરાના ભાવથી ઓતપ્રોત રહ્યો હતો અને ઉપસ્થિત તમામ લોકોએ તેની પ્રશંસા કરી હતી.



આ પણ વાંચો :-