ખેરમાળ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા ગણેશ રાઠવા, શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓની કરી સમીક્ષા…

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડી તાલુકાના કડુલી મહુડી વિસ્તારના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય ગણેશ રાઠવાએ ખેરમાળ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના અભ્યાસ, શૈક્ષણિક ગુણવત્તા અને રોજિંદી સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી.

વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન શાળામાં માત્ર એક જ શિક્ષક દ્વારા કુલ 28 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે ગણેશ રાઠવાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ બાબત અગાઉ જિલ્લા કલેક્ટરના જનસંવાદ કાર્યક્રમમાં પણ રજૂ કરવામાં આવી હતી, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નસવાડી તાલુકાના અનેક આદિવાસી વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની અછત યથાવત છે અને એક જ શિક્ષક પર અનેક ધોરણોના વિદ્યાર્થીઓને ભણાવવાનો ભાર છે. આ સ્થિતિમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવું મુશ્કેલ બની રહ્યું છે.

ગણેશ રાઠવાએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા તેમજ શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી હતી, જેથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ મળી શકે.



આ પણ વાંચો :-