ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત નાનાં ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત, નવા દફતર અને શૈક્ષણિક કીટથી વધારાયો ઉત્સાહ

ગોધરા: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત ગોધરા તાલુકાની કાંસુડી પ્રાથમિક શાળામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર ઉજવાયો હતો. ગામના અન્ય બાળકોની સાથે પ્રથમ વખત શાળાના આંગણે પહોંચેલા નાનાં ભૂલકાઓ માટે આ સમગ્ર માહોલ એક નવી દુનિયા સમાન હતો. નવા મિત્રો, નવા ચહેરાઓ, શાળાનું વાતાવરણ અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો – આ બધું જ તેમની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવી રહ્યું હતું.

પ્રવેશોત્સવ દરમિયાન નાનાં બાળકોને નવા શૈક્ષણિક સાધનો, પુસ્તકો અને રંગબેરંગી દફતર અર્પણ કરીને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. તેમના ચહેરા પર દેખાતો આનંદ અને આશ્ચર્ય આ પ્રસંગને વધુ યાદગાર બનાવી રહ્યો હતો.
તસવીરમાં કેદ થયેલી એક નાજુક ક્ષણ બાળકોના મનની અનેક લાગણીઓને વ્યક્ત કરે છે. જિજ્ઞાસાથી ભરેલી આંખો સાથે નવું દફતર નિહાળતા આ ભૂલકાઓ માટે આ માત્ર એક બેગ નથી, પરંતુ શિક્ષણના નવા પ્રવાસની શરૂઆત અને ભવિષ્યના અસંખ્ય સપનાઓનું પ્રતીક છે.

બાળકોના ચહેરા પરની નિર્દોષ આતુરતા અને નવા શૈક્ષણિક સાધનો પ્રત્યેનું આકર્ષણ એ દર્શાવે છે કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનો શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને લગાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ નાનાં ભૂલકાઓ હવે બાલવાટિકાના માધ્યમથી અક્ષરો, શબ્દો અને જ્ઞાનની અદભુત દુનિયામાં પ્રથમ પગલું માંડવા તૈયાર છે. પ્રવેશોત્સવના આ પવિત્ર અવસરે કેદ થયેલી આ ક્ષણો શિક્ષણના પ્રકાશને ઘર-ઘર સુધી પહોંચાડવાના રાજ્ય સરકારના સંકલ્પનું સુંદર પ્રતિબિંબ બની રહી છે.
