ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વિવિધ શાળાઓમાં ભૂલકાઓનું ઉત્સાહભેર નામાંકન, શૈક્ષણિક કીટનું વિતરણ

પંચમહાલ: ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત ગોધરા તાલુકાના ગોવિંદી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુ (IAS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદહસ્તે નાનાં ભૂલકાઓને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવીને શાળામાં પ્રથમ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
પ્રગતિના પ્રવેશોત્સવ-2026 અંતર્ગત ગોવિંદી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના નામાંકન કાર્યક્રમો યોજાયા હતા. કાંસુડી પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની કુલ વિદ્યાર્થી સંખ્યા 402 છે. જેમાં આંગણવાડીમાં 12, બાલવાટિકામાં 24, ધોરણ-1માં 1, ધોરણ-6માં 58 અને ધોરણ-9માં 41 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

તે જ રીતે, આદિવાસી આશ્રમ શાળા, જાફરાબાદમાં કુલ 376 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં ધોરણ-1માં 3, ધોરણ-6માં 39, ધોરણ-9માં 80 અને ધોરણ-11માં 42 વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, ગોધરામાં ધોરણ-9થી 12 સુધીના કુલ 395 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ-9માં 126 અને ધોરણ-11માં 84 નવા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો.
પ્રભારી સચિવશ્રીએ શાળાઓની મુલાકાત દરમિયાન શૈક્ષણિક ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા સહિતની પાયાની સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પુસ્તકો તેમજ રમત-ગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભેટો મેળવી બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, મુખ્ય શિક્ષકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
