ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
પૂજ્ય સંતોની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન, પ્રશંસા પત્ર અને ‘સતનામ સાક્ષી પ્રસાદ’થી કરાયું સન્માન

ગોધરા: વિશ્વ રક્તદાન દિવસ તેમજ પૂજ્ય સંતોની પુણ્યતિથિના પાવન અવસરે ગોધરાના પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા અને માનવતાના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન સમાન છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવી શકાય છે. તેમણે સમાજમાં વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવું આહ્વાન પણ કર્યું હતું.
કેમ્પ દરમિયાન રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રશંસા પત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આશ્રમ તરફથી ‘સતનામ સાક્ષી પ્રસાદ’ અર્પણ કરીને તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી.
આગેવાનોએ જણાવ્યું હતું કે આવા રક્તદાન કેમ્પો સમાજમાં માનવ સેવા અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. રક્તની અછતનો સામનો કરતા દર્દીઓ માટે આવા કેમ્પો જીવનદાયી સાબિત થાય છે અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોની આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.