બાકોર પોલીસને મોટી સફળતા: ‘લૂંટેરી દુલ્હન’ અને તેના સાગરિતની રાજસ્થાનમાંથી ધરપકડ…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

ખોટા લગ્ન કરાવી રોકડ અને ઘરેણાં લઈને ફરાર થયેલા બે આરોપીઓને સીમલવાડામાંથી ઝડપી પાડ્યા

મહીસાગર: બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં બાકોર પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા વિસ્તારમાંથી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરી પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધી ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન અને સંતરામપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

બાકોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.વી. પટેલ અને તેમની ટીમ દ્વારા એ-પાર્ટ ગુનો રજીસ્ટર નં. 11187001260048/2026, ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 318(4) અને 54 હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન મહત્વની માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના સીમલવાડા વિસ્તારમાં છુપાયેલા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદી રિંકેશકુમાર જીતુભાઈ પટેલને લગ્નના બહાને છેતર્યા હતા. મહિલા આરોપી રેખાબેને પોતાનું નામ ‘જ્યોતિ’ હોવાનું જણાવી ખોટી ઓળખ આપી હતી અને લગ્નની ખોટી વિધિ કરાવી હતી. જ્યારે તેના સાગરિત રતનલાલ ઉર્ફે રાકેશભાઈ પાંડોરે પોતાને યુવતીનો ભાઈ તરીકે ઓળખાવી વિશ્વાસમાં લીધો હતો.

આરોપીઓએ લગ્નના બહાને ફરિયાદી પાસેથી રોકડ રકમ અને કિંમતી ઘરેણાં મેળવી લીધા બાદ ફરાર થઈ જઈ છેતરપિંડી આચરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓ

(1) રતનલાલ ઉર્ફે રાકેશભાઈ લક્ષ્મણભાઈ પાંડોર
રહે. ઢુંઢાવાડા, તા. સીમલવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન)

(2) રેખાબેન અશોકભાઈ ડામોર
રહે. ઢીંચણીયા, તા. ઈડર, જી. સાબરકાંઠા
(કથિત ‘લૂંટેરી દુલ્હન’)

આરોપીઓની કાર્યપદ્ધતિ (Modus Operandi)

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ લગ્ન ઇચ્છુક અને અપરિણિત પુરુષોને નિશાન બનાવતા હતા. તેઓ યુવતી બતાવી વિશ્વાસમાં લઈને ખોટી લગ્ન વિધિ કરાવતા અને ત્યારબાદ રોકડ રકમ તેમજ દાગીના લઈને ફરાર થઈ જતા હતા.

પોલીસ હાલમાં બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આવા અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.



આ પણ વાંચો :-