ધાનપુર,(દાહોદ) મોહન બારીયા :-

ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામે પાનમ નદી પર નિર્માણ પામનારા નવા બ્રિજના કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. અંદાજે ₹10 કરોડ 61 લાખના ખર્ચે બનનારા આ મહત્વના બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તથા દેવગઢબારિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણ ડામોર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા સરકાર દ્વારા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને આપવામાં આવતી પ્રાથમિકતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માર્ગ અને પુલ જેવી સુવિધાઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આધારસ્તંભ સાબિત થાય છે તેમ જણાવાયું હતું.
આ પ્રસંગે દાહોદ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ વિકાસકાર્ય બદલ સરકાર અને જનપ્રતિનિધિઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
પાનમ નદી પર બનનારા આ બ્રિજથી ડુંગરપુર સહિત આસપાસના અનેક ગામોના નાગરિકોને વર્ષભર સરળ અને સુરક્ષિત આવાગમનની સુવિધા મળશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન થતી અવરજવર સંબંધિત મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, ખેતી અને વેપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર લાભ થશે.
લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવતી બ્રિજની માંગ હવે સાકાર થવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યથી સમગ્ર વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.