ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના વડા તુકારામ મુંઢેએ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને ‘વિમલ ઇલાયચી’ની જાહેરાતને લઈને 9 પાનાની શો-કોઝ નોટિસ ફટકારી છે. ત્રણેય કલાકારો વર્ષ 2024માં વિમલની ઇલાયચીની જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા.
FDAના જણાવ્યા મુજબ, ‘વિમલ ઇલાયચી’ની જાહેરાત દ્વારા મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પાન મસાલાનું પરોક્ષ અથવા સરોગેટ પ્રમોશન થતું હોવાની પ્રાથમિક દૃષ્ટિએ આશંકા છે. નોટિસમાં કલાકારોને 15 દિવસમાં જવાબ આપવા જણાવાયું છે.
જાહેરાત અંગે શું છે વિવાદ?
નોટિસમાં જણાવાયું છે કે જાહેરાતમાં ‘વિમલ ઇલાયચી’ બ્રાન્ડનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો છે કે તેનો સંબંધ મુખ્ય પાન મસાલા બ્રાન્ડ સાથે જોડાતો હોવાનું જણાય છે. FDAનું કહેવું છે કે આ પ્રકારની જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને પ્રતિબંધિત પ્રોડક્ટના અપ્રત્યક્ષ પ્રમોશન તરીકે જોવામાં આવી શકે છે.
અધિકારીઓએ ત્રણેય કલાકારોને કેમ્પેઈનમાંથી દૂર થવા તેમજ સોશિયલ મીડિયા પરથી સંબંધિત પ્રમોશનલ કન્ટેન્ટ હટાવવા અંગે પણ સૂચના આપી છે. સાથે જ એન્ડોર્સમેન્ટ કરાર, પેમેન્ટની વિગતો અને ઝુંબેશ સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા છે.
દંડની પણ જોગવાઈ
ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને એન્ડોર્સમેન્ટ અંગેના કાયદા હેઠળ રૂ.10 લાખથી રૂ.50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં સંબંધિત વ્યક્તિઓ પર ચોક્કસ સમયગાળા માટે પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
આ મામલાએ ફરી એકવાર સરોગેટ એડવર્ટાઇઝિંગ અને સેલિબ્રિટીઓ દ્વારા કરવામાં આવતા પાન મસાલા બ્રાન્ડના પ્રમોશન અંગે ચર્ચા જગાવી છે. અગાઉ 2022માં અભિનેતા અક્ષય કુમાર પણ આવી જ જાહેરાતને લઈને વિવાદમાં આવ્યા હતા અને બાદમાં તેમણે જાહેરમાં માફી માંગી હતી.
