શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા: સરકારી વિનયન કોલેજ, શહેરા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, શિસ્ત, સાહસ, રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસે તે હેતુથી વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા રાષ્ટ્રસેવામાં ગૌરવપૂર્ણ યોગદાન આપનાર રમેશસિંહ બારિયા, લાન્સ નાયક, રાજપૂતાના રાઇફલ્સ અને તેમના પત્ની પ્રેમીલાબેન બારિયા, કોન્સ્ટેબલ, CRPF મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સમાં રાષ્ટ્રસેવા પ્રત્યે ગૌરવ અને પ્રેરણાની ભાવના જોવા મળી હતી.
કાર્યક્રમમાં IQACના વડા તથા મનોવિજ્ઞાન વિભાગના વડા ડૉ. કિરણસિંહ રાજપૂત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડૉ. જયશ્રીબેન જોશીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવા શિક્ષણ, સંશોધન, શિસ્ત, જવાબદારી અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.

ઉજવણી દરમિયાન NCC કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ, પરેડ, પિરામિડ ડિસ્પ્લે, દેશભક્તિ નૃત્ય, વક્તવ્ય અને દેશભક્તિના ગીતો સહિત વિવિધ સાંસ્કૃતિક તથા રાષ્ટ્રપ્રેમી કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કેડેટ્સની શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ રજૂઆતથી સમગ્ર કોલેજ પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કોલેજના બંને Associate NCC Officers (ANOs) લેફ્ટનન્ટ ડૉ. ઉર્વશીબેન કે. ઉમરેઠિયા અને લેફ્ટનન્ટ ડૉ. કર્ણસિંહ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે કોલેજના વહીવટી તંત્ર, અધ્યાપકગણ, કર્મચારીઓ તથા NCC કેડેટ્સનો સક્રિય સહયોગ રહ્યો હતો.
