ગોધરાના મુફ્તી આછોડી રોડ પર સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિભેર ઉજવણી, ધ્વજવંદન બાદ ‘હિન્દ તરાના’નું ગાન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા: ગોધરાના મુફ્તી આછોડી રોડ ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ધાર્મિક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભરૂચથી પધારેલા મૌલાના મુહમ્મદ સાલીમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ દેશભક્તિની ભાવના સાથે ‘હિન્દ તરાના’નું ગાન કર્યું હતું.

આ પ્રસંગે પોતાના પ્રવચનમાં મૌલાના મુહમ્મદ સાલીમે દેશની આઝાદીની લડતમાં હિન્દુ અને મુસ્લિમ સમાજે ખભેખભો મિલાવીને મહત્વની ભૂમિકા ભજવી હતી તેમ જણાવી સૌને રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો.

તેમણે સ્વાતંત્ર્ય પર્વના મહત્વને ઉજાગર કરતાં દેશની એકતા, અખંડિતતા અને પરસ્પર સૌહાર્દને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગોધરા શહેરના ધાર્મિક આગેવાનો ઉપરાંત અતિથિ વિશેષ તરીકે પ્રખર ધારાશાસ્ત્રી અને દલિત નેતા નરેન્દ્ર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત બાળકોને પતાસા વહેંચવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.



આ પણ વાંચો :-