ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા: શહેરના અશરફી મસ્જિદ વિસ્તાર નજીક ભૂગર્ભ ગટરના ખોદકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત થયું છે. ખોદકામ દરમિયાન અચાનક ભેજવાળી માટી ધસી પડતાં શ્રમિક માટી નીચે દટાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકને માટીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ દાહોદ જિલ્લાના 25 વર્ષીય કૃષ્ણા કનુભાઈ ભાભોર તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ચોમાસાની ઋતુને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ખોદકામ દરમિયાન અચાનક માટી ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કોન્ટ્રાક્ટર દ્વારા જણાવાયું છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
