ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ: ફતેપુરા તાલુકાની આર્ટ્સ કોલેજ ખાતે રેડ રિબન ક્લબ (RRC) અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર તિલાવત, જિલ્લા ક્ષયરોગ અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ વી. અમલિયારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 218 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને HIV/AIDS, ક્ષયરોગ (TB), કુષ્ઠરોગ, જાતીય સંક્રમિત રોગો, રક્તદાન, ડ્રગ્સ એબ્યુઝ, હેપેટાઇટિસ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મળતી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ HIV/AIDS હેલ્પલાઇન 1097 વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવા માટે IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત NSSના વિદ્યાર્થીઓને Break Free India અને ટીબી મુક્ત ભારત એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાચા જવાબ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો, જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ICTC ફતેપુરા અને સુખસરના કાઉન્સેલર, તાલુકા TB સુપરવાઇઝર, લેપ્રસી સુપરવાઇઝર, લિંક વર્કર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પ્રતિનિધિઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્ય અને કાનૂની સેવાઓ અંગે જાગૃતિ લાવી તેમને વધુ માહિતગાર અને જવાબદાર બનાવવાનો હતો.
