ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
ડૉ. હકીમ કોઠી દ્વારા વડીલોને નવા કપડાં અને રોકડ સહાયનું વિતરણ, સાપ્તાહિક નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીની પણ જાહેરાત

કાંકણપુર: કાંકણપુર સ્થિત સેવાક્ષામ વૃદ્ધાશ્રમ ખાતે જાણીતા સમાજસેવી હાજી ફિરદોસ કોઠી તથા તેમના પુત્ર ડૉ. હકીમ કોઠીએ મુલાકાત લઈને વૃદ્ધાશ્રમના વડીલો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે વડીલોના આરોગ્ય, સુખાકારી અને દૈનિક જરૂરિયાતોની જાણકારી મેળવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે હાજી ફિરદોસ કોઠી દ્વારા વૃદ્ધાશ્રમને આગામી ત્રણ મહિના માટે પૂરતું અનાજ અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થાના વિકાસ અને વડીલોના કલ્યાણ માટે રોકડ આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.
બીજી તરફ ડૉ. હકીમ કોઠીએ વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વડીલને બે જોડી નવા કપડાં તથા રોકડ સહાયનું વિતરણ કર્યું હતું. આ સેવાકીય કાર્યથી વૃદ્ધાશ્રમના રહેવાસી વડીલોમાં આનંદ અને આત્મીયતાની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે હાજી ફિરદોસ કોઠીએ જણાવ્યું હતું કે, વડીલોની સેવા કરવી એ માત્ર સામાજિક જવાબદારી નહીં પરંતુ માનવતાની સાચી ઇબાદત છે. તેમણે કહ્યું કે તેઓ નિયમિતપણે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વડીલોની જરૂરિયાતો અંગે માહિતી મેળવશે અને શક્ય તમામ સહયોગ આપતા રહેશે.
વડીલોના આરોગ્યને પ્રાથમિકતા આપતા ડૉ. હકીમ કોઠીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેમના માર્ગદર્શન હેઠળ દર અઠવાડિયે એક વખત વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને તબીબી ચકાસણીનું આયોજન કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ તેઓ પોતે ઉઠાવશે.
વૃદ્ધાશ્રમના સંચાલકોએ હાજી ફિરદોસ કોઠી અને ડૉ. હકીમ કોઠીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવી સેવાભાવી વ્યક્તિઓના સહયોગથી નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલોને નવી આશા, સહારો અને સન્માનપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા મળે છે.
કાર્યક્રમના અંતે હાજી ફિરદોસ કોઠીએ સમાજના સક્ષમ નાગરિકો, દાતાશ્રીઓ અને યુવાનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓ પણ આગળ આવી વૃદ્ધો, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે યોગદાન આપે. સમાજની સંવેદના અને સહકારથી જ માનવતાના આવા કાર્યો વધુ મજબૂત બની શકે છે.
