શહેરા (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં સર્જાયેલી વહીવટી અસ્થિરતાને પગલે આખરે પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે. પંચાયતના 75 ટકા જેટલા સભ્યોની બેઠકો ખાલી થઈ જતા તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરવા ગ્રામ પંચાયતમાં કુલ 9 બેઠકો (8 સભ્યો અને 1 સરપંચ) છે. વોર્ડ નં. 1ના સભ્ય શ્રીમતી જૈનાબેન પટેલના અવસાન બાદ પંચાયતની એક બેઠક ખાલી થઈ હતી. ત્યારબાદ ગામના વિકાસ કામો અટવાઈ જવાના આક્ષેપો વચ્ચે ગત 11 મે, 2026ના રોજ પાંચ સભ્યોએ સામૂહિક રાજીનામા આપી દીધા હતા. પરિણામે કુલ 9માંથી 6 બેઠકો ખાલી થઈ જતા પંચાયતમાં માત્ર સરપંચ સહિત ત્રણ જ સભ્યો કાર્યરત રહ્યા હતા.
ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(2) મુજબ, જો પંચાયતની 50 ટકાથી વધુ બેઠકો ખાલી થઈ જાય અને પંચાયત કાર્યક્ષમ ન રહે, તો તેનું વિસર્જન કરવાની જોગવાઈ છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને શહેરા તાલુકા પંચાયત કચેરીએ 26 મે, 2026ના રોજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ પંચાયત વિસર્જનની ભલામણ સાથે અહેવાલ મોકલ્યો હતો.
આ ભલામણને આધારે શહેરાના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થ પટેલે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 253(1) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ધારાપુર-1ના તલાટી-કમ-મંત્રી શ્રી એ.પી. પટેલને મોરવા ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે. હવે નવી ચૂંટણી યોજાય ત્યાં સુધી ગામના તમામ વહીવટી અને વિકાસલક્ષી કાર્યો વહીવટદારના હસ્તક રહેશે.
આ મામલે પૂર્વ ડેપ્યુટી સરપંચ કિરીટભાઈ ઉર્ફે ભુરાભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં પાણી, ગટર સહિતના અનેક વિકાસ કામો લાંબા સમયથી અટવાયેલા હતા. પંચાયત કાર્યક્ષમ રીતે કામ ન કરતી હોવાથી પાંચ સભ્યોએ સામૂહિક રાજીનામા આપ્યા હતા. હવે વહીવટદારની નિમણૂક થતાં અટવાયેલા વિકાસ કાર્યોને વેગ મળશે અને ગામના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
કાયદાકીય જોગવાઈઓ અનુસાર વહીવટદારની નિમણૂક બાદ છ મહિનાની અંદર ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી જરૂરી બને છે. જેના અનુસંધાને આગામી છ માસમાં મોરવા ગ્રામ પંચાયતની સરપંચ સહિત કુલ 7 બેઠકો માટે પેટા-ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.