શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવા માટે ઉપયોગમાં લેવાતા ડમી અને બેનામી ‘Mule Accounts’ ઓપરેટ કરતી ગેંગ વિરૂદ્ધ પંચમહાલ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી (IPS) તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાત (IPS) ની સૂચના અને ગોધરા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.એલ.દેસાઇના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસે એક આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બેંકના એક પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત કુલ ૩ સાયબર ઠગોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત સરકારના પોર્ટલ અને સાયબર સેલની મદદથી ઓપરેશન પાર પડાયું
શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ ‘Mule Accounts’ અંગે ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરના SAMANVAYA PORTAL પર ઉપલબ્ધ ડેટા તથા સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો (જેવી કે હાઇ વેલ્યુ ચેક ટ્રાન્ઝેક્શન, કેશ વિડ્રોઅલ ફોર્મ અને એટીએમ વિગતો) ના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. શહેરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૭૦૬૨૫૧૧૧૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૭(૨) મુજબ ગુનો દાખલ કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ લંબાવવામાં આવી હતી.
-સુરતથી પકડાયા યુપી-બિહારના સાયબર ઠગો
પોલીસ ટીમે તપાસના આધારે મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
૧. આદર્શ વિજયકુમાર શુક્લા (ઉં.વ. ૧૯, મૂળ રહે. ઉત્તરપ્રદેશ)
૨. જિશુ પંકજ મિશ્રા (ઉં.વ. ૨૧, મૂળ રહે. બિહાર)
-બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસરની મિલીભગત ખુલી
પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ કરતાં આ સમગ્ર ગુનાહિત કાવતરામાં શહેરા પી.ડી.સી. બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસર સપન ઘનશ્યામભાઇ પરીખ (રહે. ગોધરા) ની સંડોવણી બહાર આવી હતી. આ બ્રાન્ચ ઓફિસરને તે વખતે પી.ડી.સી. બેંક દ્વારા ટર્મિનેટ (બરતરફ) કરવામાં આવ્યા હતા. પોલીસે આ પૂર્વ બેંક અધિકારીની પણ ધરપકડ કરી લીધી છે.
માત્ર એક મહિનામાં કરોડોના ટ્રાન્ઝેક્શન અને ૮૦૪ કરોડનું કૌભાંડ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના અલગ-અલગ ચાર ઇસમોના નામે શહેરાની પી.ડી.સી. બેંકમાં ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા. આ ચારેય એકાઉન્ટ્સમાં માત્ર ૩૦ થી ૩૫ દિવસના ટૂંકા ગાળામાં રૂપિયા ૩.૨૭ કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
વધુમાં, આ આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે ગુજરાત પોલીસની ‘Mule Hunt’ ડ્રાઇવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ૮૦૪ કરોડથી વધુ રકમના સાયબર કૌભાંડમાં સંડોવાયેલા સુરતના સાગર અશોક સેન તથા દાહોદના રાહુલ બારીઆ ઉર્ફે રાહુલ અગ્રવાલ સાથે પણ આ નેટવર્ક જોડાયેલું છે. આ ચાર ખાતાઓ પૈકીના એક ખાતાના ટ્રાન્ઝેક્શન બાબતે કેરળ રાજ્યના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને આઇ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું છે, જે અંગે કેરળ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
આ ગુનાના વોન્ટેડ આરોપીઓ
૧. સાગર અશોક સેન (રહે. સુરત)
૨. રાહુલ બારીઆ ઉર્ફે રાહુલ અગ્રવાલ (રહે. દાહોદ) છે.
શહેરા પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવી આ આંતરરાજ્ય રેકેટના મૂળ સુધી પહોંચવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.