પંચમહાલ જિલ્લામાં ખેડૂત જાગૃતિ અભિયાનનો પ્રારંભ, વૈજ્ઞાનિક ખેતી અને સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને અપાશે માર્ગદર્શન….

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ, બુધવાર :- પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા તેમજ રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા સ્તરે ખેડૂત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ અભિયાન ગામે-ગામ ચલાવવામાં આવશે જેથી જિલ્લાના દરેક ખેડૂત સુધી ખેતીલક્ષી જરૂરી માહિતી પહોંચી શકે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાલ ખેડૂત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે રાસાયણિક ખાતરના યોગ્ય અને સંતુલિત ઉપયોગ અંગે સમજ આપવામાં આવી રહી છે. સાથે જ જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડીએપી જેવા આધુનિક ખાતરોના ઉપયોગથી ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન વધારવાના ફાયદા અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત પાક સંરક્ષણ, નવી ટેકનોલોજી અને ફાયદાકારક ખેતી પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે.

પંચમહાલ જિલ્લામાં કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, આત્મા વિભાગ, કૃષિ યુનિવર્સિટી, ખાતર ઉત્પાદક કંપનીઓ તેમજ વિવિધ ખેડૂત સંસ્થાઓના સહયોગથી આ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

કાર્યક્રમ દરમિયાન તમામ ખાતેદાર ખેડૂતોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના, ઈ-કેવાયસી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાઓ અંગે ખેડૂતોને સચોટ માહિતી આપવામાં આવી રહી છે.

જિલ્લામાં રાસાયણિક ખાતરના સંતુલિત વપરાશ અંગે ખાસ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ૬૦ જેટલી ટીમો ગામડાઓમાં જઈ ખેડૂતોને માર્ગદર્શન આપી રહી છે. આ ટીમોમાં ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારીઓ (ખેતી), કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ ખાતર કંપનીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

જિલ્લા તંત્ર દ્વારા તમામ ખેડૂત ભાઈ-બહેનોને આ જાગૃતિ કાર્યક્રમોમાં જોડાઈને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-