ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ, બુધવાર : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધતા પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે જોરદાર આહ્વાન કર્યું હતું. કૃપાલુ સમાધિ મંદિર કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે ધરતી માતા ઝેરી બની રહી છે અને હવે સમય આવી ગયો છે કે ખેડૂત સમાજ પ્રાકૃતિક ખેતી તરફ વળે.
રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “રાસાયણિક ખેતી એ માત્ર ખોટી પદ્ધતિ નથી, પરંતુ એક અક્ષમ્ય ગુનો છે.” તેમણે ચેતવણી આપતા કહ્યું કે આજની ખેતીમાં વપરાતા ઝેરી રસાયણોના કારણે કેન્સર, ડાયાબિટીસ, કિડની અને હાર્ટ સંબંધિત ગંભીર બીમારીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
તેમણે એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે માતાના દૂધમાં પણ યુરિયા અને જંતુનાશકોના અંશો જોવા મળી રહ્યા છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે. “હવે તો જાગો,” એવો સંદેશ આપતા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પોતાના પરિવાર અને આવનારી પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરી હતી.
પરિસંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન”ને સફળ બનાવવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા વધે છે, પાણીનો સંગ્રહ સુધરે છે અને ખેતી ખર્ચ પણ ખૂબ ઓછો થાય છે.
પોતાના અનુભવો શેર કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે તેમના ગુરુકુલમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને ત્યાં એક ટીપું પણ યુરિયા કે DAP નો ઉપયોગ થતો નથી. રાસાયણિક ખેતીમાં જ્યાં પ્રતિ વીઘા 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ અત્યંત ઓછો રહે છે.
રાજ્યપાલશ્રીએ દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ ધરતી, પાણી, પશુ-પક્ષીઓ અને માનવ જીવનને બચાવવાનો સાચો માર્ગ છે. તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે તેઓ શરૂઆતમાં પોતાની જમીનના નાના ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરે અને સારાં પરિણામો મળતાં ધીમે ધીમે તેનો વિસ્તાર વધારતા જાય.
પરિસંવાદ દરમિયાન આત્મા કચેરીના સહયોગથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો.
કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડીયાએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, હાલોલ પ્રાંત અધિકારી, સરપંચશ્રી, તલાટીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.