ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને “જનભાગીદારી અભિયાન – સબસે દૂર, સબસે પહેલે”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના “ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અને “પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય મહા અભિયાન” અંતર્ગત આ મહત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન આગામી 19 થી 25 મે 2026 દરમિયાન યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ, લોકજાગૃતિ કાર્યક્રમો તેમજ વહીવટી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતરિયાળ અને દૂરસ્ત આદિવાસી વિસ્તારોને પ્રાથમિકતા આપીને સરકારની યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
“જનજાતીય ગરીમા ઉત્સવ 2026” અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ તથા જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. પંચમહાલ જિલ્લાના કુલ 7 તાલુકાના 161 ગામોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
અભિયાનને 24 ક્લસ્ટરમાં વહેંચીને અમલી બનાવવામાં આવ્યું છે. જેમાં ઘોઘંબા તાલુકાના 85 ગામો, હાલોલના 30 ગામો, મોરવા (હડફ)ના 18 ગામો, જાંબુઘોડાના 11 ગામો, ગોધરાના 9 ગામો, શહેરાના 6 ગામો અને કાલોલ તાલુકાના 2 ગામોનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા સીધી કામગીરી હાથ ધરાશે અને ગામડાં સ્તરે વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ, પ્લાનિંગ અને મોનીટરીંગ વિભાગ, શિક્ષણ વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ (TDO), માસ્ટર ટ્રેનર્સ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.