લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

ઓનલાઇન છેતરપીંડી તથા સાયબર ફ્રોડના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને મહીસાગર જિલ્લા એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે મહીસાગર SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.એમ. બારીઆ, પો.સ.ઇ. એચ.બી. સિસોદિયા તથા SOG સ્ટાફની અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
દરમિયાન ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજીસ્ટર નં. 539/2025 હેઠળ BNS કલમ 318(4), 61(2) તથા આઇ.ટી. એક્ટ કલમ 66(D) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ (1) પોપટસિંહ જેસીંગભાઈ પરમાર (રહે. જયમિત્ર સોસાયટી, વટવા GIDC, અમદાવાદ; મૂળ રહે. લમરવાડા, તા. વિરપુર, જી. મહીસાગર) અને (2) ગૌરાંગભાઈ મુકેશભાઈ સોની (રહે. બ્લોક નં. 22, રૂમ નં. 608, નર્મદા એપાર્ટમેન્ટ, GO પેટ્રોલ પંપ સામે ગલીમાં, વસ્ત્રાલ, અમદાવાદ) હાલ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
આ માહિતીના આધારે SOG ટીમના પો.સ.ઇ. એચ.બી. સિસોદિયા, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ, હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નથુભાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓ મળી આવતા તેમને હસ્તગત કરી મહીસાગર જિલ્લામાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ:
1️⃣ પોપટસિંહ જેસીંગભાઈ પરમાર
2️⃣ ગૌરાંગભાઈ મુકેશભાઈ સોની
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ગૌરાંગભાઈ સોની:
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજીસ્ટર નં. 1576/2020 હેઠળ IPC કલમ 188 તથા મહામારી અધિનિયમ 1897 કલમ 3 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51(B) મુજબ ગુનો નોંધાયેલ છે.
પોપટસિંહ પરમાર:
દાહોદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજીસ્ટર નં. 904/2025 હેઠળ IPC કલમ 114, 120(B), 406, 409, 420, 465, 467, 468 અને 471 મુજબ ગુનો નોંધાયેલ છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓએ પરસ્પર મળાપી કરીને ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ઓનલાઇન છેતરપીંડીના ગુનાઓ આચર્યા હોવાની સંભાવના છે. સમગ્ર મામલે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ ચાલુ છે.