વડોદરા : કમાટીબાગમાં ચિત્રકલાના કૌશલ્યનું ઘોડાપુર… ચિત્ર મહોત્સવ 3.0 માં 700 બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ…

વડોદરા, ખુશાલી ગોવાણી :-

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા આજરોજ શહેરના હૃદય સમાન કમાટીબાગ ખાતે “ચિત્ર મહોત્સવ 3.0” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની આશરે 80 જેટલી શાળાઓના 800 બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેદન કર્યું હતું, જેમાંથી 700 બાળકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી.

બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આ ચિત્ર સ્પર્ધામાં વિવિધ વિષયોને આધારે ચાર અલગ-અલગ જૂથોમાં બાળકોની વહેંચણી કરવામાં આવી હતી. રંગો, કલ્પના અને કળાની સુંદર સંગમ સાથે સમગ્ર કમાટીબાગ રંગોત્સવમાં ફેરવાઈ ગયો હતો.
આ પ્રસંગે વડોદરાના સાંસદ સભ્ય શ્રી ડૉ. હેમાંગ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બરોડા બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી હસમુખ ભટ્ટે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમને ગૌરવ વધાર્યું હતું. મહેમાનોએ બાળકોની કળાને બિરદાવતાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા બાળકોની છુપાયેલી પ્રતિભાને યોગ્ય દિશા અને મંચ મળે છે.

ચિત્ર મહોત્સવ દરમિયાન બાળકોમાં ચિત્રકલા પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. દરેક બાળકે આનંદ અને ઉત્સાહ સાથે પોતાની કલ્પનાને રંગોમાં ઉતારી આ મહોત્સવને સાચા અર્થમાં સાકાર કર્યો હતો.

કાર્યક્રમના અંતે દરેક જૂથમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, ઉત્સાહસભર અને રંગીન વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ચિત્ર મહોત્સવ 3.0 એ વડોદરામાં બાળકોની સર્જનાત્મકતાનું અનોખું દ્રશ્ય રજૂ કરી શહેરના શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એક નવી ઊંચાઈ સ્થાપિત કરી છે.