ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઇતિહાસ વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના ઇતિહાસ વિભાગમાં અભ્યાસ કરતા ચૌધરી પરેશકુમાર નરેશભાઈને ઇતિહાસ વિષયમાં પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
પરેશભાઈએ “મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું હિન્દના સ્વતંત્ર સંગ્રામમાં યોગદાન” વિષય પર ડો. સાબતસિંહ એલ. પટેલના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. આ સંશોધન કાર્યનું મૂલ્યાંકન કરવા માટે કચ્છ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. નંદલાલ સાંગા બાહ્ય રેફરી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા મહાશોધ નિબંધને માન્યતા આપતાં પરેશકુમાર ચૌધરીને સત્તાવાર રીતે પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરિયા, રજીસ્ટ્રાર શ્રી અનિલભાઈ સોલંકી, મંડળના પ્રમુખ શ્રી ભુપેશભાઈ શાહ, આચાર્યશ્રી એમ.બી. પટેલ તેમજ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી દ્વારા પરેશભાઈને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પરેશભાઈ ચૌધરીની આ સિદ્ધિ સમગ્ર કોલેજ તેમજ ઇતિહાસ વિભાગ માટે ગૌરવરૂપ બની છે.