ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ, જાંબુઘોડાના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે . આ પરિસંવાદનો મુખ્ય વિષય ‘પશ્ચિમ ભારતની આદિવાસી સંસ્કૃતિનો ઇતિહાસ અને લોકસાહિત્ય’ રાખવામાં આવ્યો છે .
આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા વહીવટકર્તા તથા કવિ ડૉ. ભાગ્યેશ જહાના માર્ગદર્શન હેઠળ યોજાશે . આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. અરુણ વાઘેલા બીજરૂપ વક્તવ્ય રજૂ કરશે. પરિસંવાદમાં રાજસ્થાનની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના ડૉ. મનીષ શ્રીમાળી, એમ.એસ. યુનિવર્સિટીના ડૉ. પુંડલિક પવાર અને અન્ય નિષ્ણાત પ્રાધ્યાપકો વિવિધ રાજ્યોની આદિવાસી સંસ્કૃતિ અને લોકસાહિત્ય પર પોતાના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપશે.
આદિવાસી ક્રાંતિવીર જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ભૂમિ પર યોજાનારા આ પરિસંવાદનો ઉદ્દેશ્ય પશ્ચિમ ભારતના ચાર રાજ્યો—ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની આદિવાસી સંસ્કૃતિના તણાવાણાને સમજવાનો છે . આ શૈક્ષણિક કાર્યક્રમમાં રસ ધરાવતા તમામ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.