શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મોરવા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની અવગણના તથા પંચાયતમાં ચાલી રહેલા કથિત પ્રોક્સી વહીવટના વિરોધમાં પંચાયતના કુલ 7 સભ્યોમાંથી 5 સભ્યોએ સામૂહિક રાજીનામા આપતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
રાજીનામું આપનાર સભ્યોમાં નાયબ સરપંચ કિરીટભાઈ બારીયા, પટેલ સાવિત્રીબેન, બારીયા સુમિત્રાબેન, દિલીપભાઈ ચમાર તેમજ હંસાબેન સોલંકીનો સમાવેશ થાય છે.
સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટાયેલા મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. પંચાયતના ગટર, નાળા, હેન્ડપંપ સહિતના વિકાસ કામોના બિલો અને વહીવટી પ્રક્રિયામાં પણ બિન-ચૂંટાયેલા વ્યક્તિ દ્વારા હસ્તક્ષેપ અને મંજૂરી આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સરપંચ સુમિત્રાબેન પટેલે પાંચમાંથી ત્રણ સભ્યોના રાજીનામા સ્વીકારી TDO શહેરાને મોકલી આપ્યા છે, જ્યારે દિલીપભાઈ ચમાર અને હંસાબેન સોલંકીના રાજીનામા જાણબૂઝીને અટકાવી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે.
રાજીનામું આપનાર સભ્યોનું કહેવું છે કે જો બાકીના બે રાજીનામા પણ સ્વીકારી લેવામાં આવે તો પંચાયતનું કોરમ તૂટી જશે અને પંચાયતનો વહીવટ વહીવટદારને સોંપવાનો વારો આવશે. આ કારણે પસંદગીના ધોરણે માત્ર ત્રણ રાજીનામા સ્વીકારી બાકીના બે અટકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) શહેરા તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) પંચમહાલ સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની તેમજ નિષ્પક્ષ પેટાચૂંટણી યોજવાની માંગ ઉઠાવી છે.