Dial 112 જનરક્ષક સેવા બની આશીર્વાદ, વિખૂટા પડેલા ભાઈનું પરિવાર સાથે મિલન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુજરાત પોલીસની ડાયલ 112 જનરક્ષક સેવા માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિસ્તારમાં જનરક્ષક ટીમે એક ભટકતા વ્યક્તિને તેના પરિવાર સાથે મળી આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ડાંગરિયા ગામ નજીક અરવિંદભાઈ બાબુભાઈ નામના જાગૃત નાગરિકે ડાયલ 112 પર કોલ કરીને જાણ કરી હતી કે આશરે 35 વર્ષીય એક અજાણ્યો વ્યક્તિ લાંબા સમયથી વિસ્તારમાં ભટકી રહ્યો છે. માહિતી મળતા જ મોરવા હડફ જનરક્ષક ટીમના ઇન્ચાર્જ જશવંતસિંહ પગી અને ડ્રાઈવર અજયભાઈ ડામોર તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા.

સ્થળ પર ગ્રામજનોએ માનવતા દાખવી તે વ્યક્તિને સુરક્ષિત રીતે બેસાડી રાખ્યો હતો. માનસિક મૂંઝવણના કારણે તે પોતાનું સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતો નહોતો, પરંતુ વિશ્વાસમાં લઈને વાત કરતા તેણે પોતાનું નામ ઉદેસિંહ પુનાભાઈ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની સુરક્ષાને પ્રાથમિકતા આપી તેને મોરવા હડફ પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી. હ્યુમન સોર્સ અને સ્થાનિક નેટવર્કની મદદથી તપાસ આગળ વધારતા જાણવા મળ્યું કે તે વ્યક્તિ સિંગવડ તાલુકાના વાલાગોટા ગામનો રહેવાસી છે. ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા તેના ભાઈ અરવિંદભાઈ પુનાભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

લાંબા સમયથી લાપતા ભાઈના સમાચાર મળતા જ અરવિંદભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વર્ષો બાદ ભાઈને મળતા પરિવાર ભાવુક બની ગયો હતો અને તેમણે ડાયલ 112 સેવા તથા પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

જનરક્ષક સેવા અને સ્થાનિક પોલીસના સંકલિત પ્રયાસોથી એક પરિવાર ફરી એક થઈ શક્યો. આ ઘટના દર્શાવે છે કે ટેકનોલોજી અને માનવીય સંવેદના સાથે મળીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

આ પણ વાંચો :-