કડાણા પોલીસનો દારૂના જથ્થા પર કડક પ્રહાર: ઈક્કો ગાડીમાંથી ₹2.56 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી ઝડપાયા…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર હેરફેર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ઈક્કો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને કુલ ₹2,56,202.62નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીઓને ધરપકડ કરી છે.

આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા સંતરામપુર વિભાગના I/C નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

માહિતી અનુસાર, કડાણા પોલીસને બાતમી મળી હતી કે એક ઈક્કો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઘાસવાડા તરફથી વાહન આવી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન સંદિગ્ધ ઈક્કો કાર દેખાતા પોલીસ દ્વારા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો, પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે ઝડપથી ભગાડવાનો પ્રયાસ કર્યો.

પોલીસે તરત જ પીછો શરૂ કર્યો અને પાંડોરની અંધારી ગામની ચોકડી પાસે ગાડીનો કોર્ડન કરી અટકાવી દીધી. તપાસ દરમિયાન કારમાંથી કુલ 193 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (કાચ તથા ટીન બીયર) મળી આવ્યા, જેની કિંમત અંદાજે ₹51,202.62 થાય છે.

આ ઉપરાંત, પોલીસે ગાડી (મારુતિ સુઝુકી ઈક્કો – અંદાજીત કિંમત ₹2,00,000) અને એક મોબાઈલ ફોન (₹5,000) પણ જપ્ત કર્યો છે. આમ કુલ ₹2,56,202.62નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ મામલે કડાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ:

  1. વિક્રમ રમણલાલ પરમાર (ઉંમર 31), રહે. પલ્સ, તા. ચિખલી, જી. ડુંગરપુર (રાજસ્થાન)
  2. પ્રકાશ લક્ષ્મણભાઈ ડીંડોર (ઉંમર 30), રહે. બામણિયાવાડા, તા. ગળિયાકોટ, જી. ડુંગરપુર (રાજસ્થાન)

પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં દારૂના નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે અને સંકળાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો :-