ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
વાઇસ ચાન્સેલર ડો. સી.કે. ટીંબડીયાએ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે માર્ગદર્શન આપ્યું…

ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા માટે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાલોલ તાલુકાના ૫૫ થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) અને કૃષિ સખીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. સી. કે. ટીંબડીયાએ ઉપસ્થિત તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “ગ્રામ્ય કક્ષાએ સીઆરપી અને કૃષિ સખીએ પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટેના પાયાના અંગો છે.” તેમણે સૌ પ્રથમ પોતે પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના ખેતરને ‘મોડલ ફાર્મ’ તરીકે વિકસાવવા અનુરોધ કર્યો હતો, જેથી અન્ય ખેડૂતો તેને જોઈ પ્રેરણા મેળવી શકે. ડો. ટીંબડીયાએ પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિના મહત્વ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.
તાલીમ દરમિયાન યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિક શ્રી મહેશભાઈ મેવાડા દ્વારા તાલીમાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ પ્રાયોગિક ફાર્મની મુલાકાત કરાવાઈ હતી. ખાસ કરીને ‘પંચસ્તરીય મોડલ ફાર્મ’ માં કયા પાકો લેવા અને તેના દ્વારા કેવી રીતે મહત્તમ આર્થિક વળતર મેળવી શકાય તેની પ્રાયોગિક સમજ આપી હતી.
આ ઉપરાંત, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. રશ્મિકાંત ગુર્જરે ખેતીમાં જીવાત નિયંત્રણ માટે ઉપયોગી એવા વિવિધ અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર, અગ્નિસ્ત્ર અને દશ પર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ, તેમાં વપરાતા ઘટકો અને તેના ઉપયોગ વિશે પ્રેક્ટિકલ જાણકારી આપી હતી.
સમગ્ર તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન હાલોલ તાલુકાના આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.