એસબીઆઈની CSR પહેલ હેઠળ અંબાલી છાત્રાલય પ્રાથમિક શાળાને રૂ.50 હજારનું R.O.–વોટર કૂલર ભેટ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા તાલુકાની અંબાલી છાત્રાલય સી.આર.સી.ની અંબાલી છાત્રાલય પ્રાથમિક શાળામાં State Bank of India (એસબીઆઈ) દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી રૂ. 50,000ની કિંમતનું R.O. વિથ વોટર કૂલર ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એસબીઆઈના ચીફ મેનેજર તથા રિજનાલ ઓફિસર શ્રી બરૂણકુમાર સિન્હા તેમજ આસિસ્ટન્ટ રિજનાલ મેનેજર શ્રી દિવ્યાંગ પ્રજાપતિ (એસબીઆઈ, Godhra) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં એસબીઆઈની નાણાકીય સેવાઓ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે હાથ ધરાતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ અવસરે ક્લસ્ટરના સી.આર.સી. કોર્ડીનેટર શ્રી કૌશિક પટેલએ સરકારના વિદ્યાંજલિ પોર્ટલ પર ક્લસ્ટરની શાળાઓ માટે નોંધાયેલ આવશ્યકતાઓ અંગે ઉપસ્થિત મહાનુભાવોને માહિતગાર કર્યા હતા અને શિક્ષણક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે CSR આધારિત સહયોગની અપીલ કરી હતી. તેમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેવી પહેલોને આવકાર્ય ગણાવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી જશપાલસિંહ સોલંકીએ એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી આ મહત્વપૂર્ણ ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સુવિધાથી વિદ્યાર્થીઓને શુદ્ધ તથા ઠંડું પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બનશે, જે તેમના આરોગ્ય અને અભ્યાસ માટે ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.