ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલા અંબાજી મંદિર ખાતે પવિત્ર આસો માસની નવરાત્રીના આઠમા દિવસે દુર્ગાષ્ટમી પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ આઠમની પવિત્ર તિથિ નિમિત્તે મંદિરમાં હવન, પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફતેપુરા નગરના પ્રજાપતિ સમાજના અગ્રણી શૈલેષભાઈ પ્રજાપતિએ હવનના યજમાન તરીકે ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. પાંચથી સાત જેટલા પુરોહિતો દ્વારા વિવિધ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભક્તોએ હોમ-હવન અને અનુષ્ઠાન દ્વારા જગતજનની મા અંબાની આરાધના કરી હતી.
દુર્ગાષ્ટમીના પવિત્ર પર્વને લઈને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. જગતજનની મા અંબાજીને પણ મનોહર અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યાં હતાં, જેના કારણે મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય બન્યું હતું.
આઠમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં માઈભક્તોએ મંદિરે પહોંચી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને સાંજના સમયે ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ભક્તોએ માતાજીની આરતી, પૂજા-અર્ચના અને દર્શન કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. સમગ્ર ઉજવણી દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાયો હતો.
