સ્લગ-દાહોદ જિલ્લામાં યોજાયો ચુલનો મેળો….

દાહોદ, જીગ્નેશ પંચાલ :-

દાહોદ જિલ્લાના રણિયાર ગામે ધુળેટીના દિવસે યોજાતા “ચુલ ના મેળા”માં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આસ્થા વ્યક્ત કરે છે. આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે

દાહોદ જિલ્લાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતન પરત ફરતા હોય છે. હોળીના પાંચ દિવસ પહેલાં એટલે અગિયારસથી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓ શરૂ થાય છે. તેમાં સૌથી વિશેષ ઓળખ ધરાવે છે “ચુલ નો મેળો”, જે હોળીના બીજા દિવસે એટલે ધુળેટીના દિવસે ઉજવાય છે.

આ મેળો ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધીયા અને રણધિકપુર ખાતે તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રણિયાર ગામે યોજાય છે. તેમાં રણિયાર ગામનો મેળો સૌથી વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર ગણાય છે, જ્યાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો હાજરી આપે છે.

અગિયારસથી લઈ પાંચમ સુધી જિલ્લામાં અનેક મેળાઓ યોજાય છે, પરંતુ રણિયાર ગામે ધુળેટીના દિવસે યોજાતા ચુલના મેળાનું વિશેષ મહત્વ છે. આ મેળો રણિયાર ગામ સ્થિત રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે.

અહીં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે પ્રકારની ચુલ ચાલે છે. ગરમ ચુલ માટે ગામમાંથી ઘરેઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે. મેળાની શરૂઆતમાં અંદાજે ૫×૨૫ હાથ લાંબો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે.

સૌપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચુલ પર ચાલે છે. ત્યારબાદ એ જ ખાડામાં એકત્રિત કરેલા સુકા લાકડાં પ્રગટાવવામાં આવે છે. લાકડાં ધગધગતા અંગારામાં ફેરવાયા બાદ લીમડાની ડાળીઓ અને પાંદડાં વડે ઘીની આહુતિ આપવામાં આવે છે.

ચુલમાં ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડાંમાં ચુલના પાંચ ફેરા ફર્યા પછી ધગધગતા અંગારાઓ પર ચાલે છે. લોકો પોતાની માનતા પૂર્ણ કરવા તથા સારો વરસાદ પડે તેવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે.

વિશ્વાસ અને આસ્થાના આ પ્રતીકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ ભાગ લેનારાઓને કોઈ ઇજા કે તકલીફ ન થતી હોવાની માન્યતા છે. આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત્ રહી છે અને દરેક સમાજના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે.