અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં દીવાલ ધરાશાયી, 27 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Ahmedabad: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કરુણ દુર્ઘટના બની હતી. હોસ્પિટલ પરિસરમાં નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન માટી પુરાણના કામને કારણે અચાનક બાજુની દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષીય શ્રમિક છુટન શુક્રુમાર મંડલ તેની નીચે દબાઈ ગયા હતા. ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિતના પાસાઓ પણ તપાસવામાં આવશે.

માટી પુરાણના કારણે દીવાલ પર અચાનક દબાણ વધ્યું

મળતી વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના વતની અને હાલ એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહીને મજૂરી કામ કરતા છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. ૨૭) મંગળવારે સવારે જૂની એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા કામ કરી રહ્યા હતા. સવારે આશરે 9 વાગ્યાના સુમારે નજીકમાં ચાલી રહેલા માટી પુરાણના કામને કારણે બાજુની દીવાલ પર અચાનક દબાણ વધ્યું હતું. જેના કારણે દીવાલ એકાએક છુટનભાઈ પર ધરાશાયી થઈ હતી અને તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત

દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં છુટનભાઈને શરીરે ગંભીર મૂઢમાર વાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથી મજૂર ક્રિષ્ના તેમને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. (ICU) વોર્ડમાં લઈ ગયા હતા. ત્યાં તબીબોએ તેમની સઘન સારવાર શરૂ કરી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે સવારે 11 વાગ્યે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાંથી મેસેજ મળતાં મણિનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકની પત્ની જુમાબેન વાગ્ચીનું વિગતવાર નિવેદન નોંધ્યું હતું. ત્યારબાદ મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

મણિનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસ દરમિયાન માટી પુરાણ અથવા બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈની બેદરકારી સામે આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કડક ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે.



આ પણ વાંચો :-