ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

સાણંદ, અમદાવાદ ગ્રામ્ય: અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદ-વિરમગામ હાઈવે પર વીરપુર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. 23 ઓગસ્ટના રોજ હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે આશરે 1,200 બોક્સમાં ભરેલી 32,392 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.
જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. 1,11,03,388 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટ્રક-કન્ટેનર, 3 મોબાઇલ ફોન અને રૂ. 1,300 રોકડ સહિત કુલ રૂ. 1,36,19,688નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો, 5 આરોપીઓ વોન્ટેડ
સાણંદ GIDC પોલીસની કાર્યવાહીમાં કન્ટેનરના 30 વર્ષીય ડ્રાઈવર કરતારામ મેઘવાલની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂના આ નેટવર્કમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેમાં અજમેરનો દારૂ મોકલનાર સુરેન્દ્ર યાદવ, બાડમેરનો કન્ટેનર માલિક મેહરારામ માનારામ તેમજ ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડાના દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરત બોરીચા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીનો સમાવેશ થાય છે. આ પાંચેયને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
દારૂની સમગ્ર સપ્લાય ચેઇન ટ્રેસ કરવા તપાસ
સાણંદ GIDC પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂના આ મોટા જથ્થાની પ્રાપ્તિ, નાણાકીય વ્યવહારો, લોડિંગ અને પરિવહન સહિતની સમગ્ર સપ્લાય ચેઇનને ટ્રેસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ ગુનાહિત નેટવર્કમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
