લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

મહીસાગર: જિલ્લામાં GBS (ગુલિયન-બારે સિન્ડ્રોમ)ના શંકાસ્પદ કેસોને પગલે બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપી જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ સતત બીજા દિવસે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની 101 ટીમો દ્વારા 131 પ્રાથમિક શાળાઓની તપાસ કરવામાં આવી હતી. સાથે જ વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પણ આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન PM POSHAN હેઠળ અપાતા મધ્યાહ્ન ભોજન અને આંગણવાડીઓમાં બાળકોને અપાતા ગરમ નાસ્તા તથા ભોજનની ગુણવત્તા તપાસવામાં આવી હતી. આ ઉપરાંત ભોજનમાં વપરાતા અનાજ, તેલ, મસાલા અને શાકભાજીની શુદ્ધતા, રસોડાની સ્વચ્છતા, વાસણોની સફાઈ અને કચરાના યોગ્ય નિકાલની પણ ચકાસણી કરવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા બાળકોને આપવામાં આવતા પીવાના પાણીની સ્વચ્છતા અને વ્યવસ્થા અંગે પણ તપાસ કરવામાં આવી હતી. શાળા સંચાલકો, આચાર્યો, મધ્યાહ્ન ભોજન સંચાલકો અને આંગણવાડી કાર્યકરોને બાળકોને માત્ર શુદ્ધ પીવાનું પાણી તથા તાજું અને આરોગ્યપ્રદ ભોજન આપવામાં આવે તેની સતત તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવી તપાસ અને તકેદારીની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
