લુણાવાડાના વોર્ડ નં. 2માં ગટર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ, સ્થાનિકોએ વ્યક્ત કર્યો સંતોષ…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

ઉસ્માનિયા નગર વિસ્તારમાં લાંબા સમયથી ઓવરફ્લો થતી ગટરની સમસ્યાનું નગરપાલિકાએ ઝડપી નિરાકરણ કર્યું; સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો

લુણાવાડા: લુણાવાડા શહેરના વોર્ડ નં. 2 અંતર્ગત આવેલા ઉસ્માનિયા નગર સોસાયટી, શાખા મેદાન વિસ્તારમાં સિરાજભાઈ લાહોરી તથા ગુડ લક વાળાના ઘર પાસે લાંબા સમયથી ગટરનું પાણી વારંવાર ઓવરફ્લો થતું હોવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગંદા પાણીના ભરાવા અને દુર્ગંધને કારણે વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્યને લઈને ચિંતા ઉભી થઈ હતી.

આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ અમિતભાઈ ધોબી તથા લુણાવાડા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ડામોર સમક્ષ ટેલિફોનિક રજૂઆત કરી હતી. રજૂઆત મળતાં જ બંનેએ મામલાની ગંભીરતા સમજી નગરપાલિકાના સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

નગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી ગટર લાઇનની સંપૂર્ણ સફાઈ અને જરૂરી કામગીરી હાથ ધરી હતી, જેના પરિણામે લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઝડપી અને અસરકારક રીતે ઉકેલ આવ્યો હતો. કામગીરી પૂર્ણ થતાં વિસ્તારમાં ફરીથી ગટર વ્યવસ્થા સુચારૂ બની અને સ્થાનિકોને રાહત મળી હતી.

સમસ્યાનું સમયસર નિરાકરણ આવતા વિસ્તારના રહેવાસીઓએ અમિતભાઈ ધોબી અને ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર સહિત નગરપાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જનહિતના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કરવામાં આવતી આવી કામગીરી પ્રશંસનીય છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસલક્ષી કાર્યોની સાથે નાગરિકોની મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપી સમયસર સમસ્યાઓનું નિરાકરણ લાવવાના પ્રયાસોથી વિસ્તારમાં સંતોષ અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે.



આ પણ વાંચો :-