ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું; POP, પ્લાસ્ટિક અને કેમિકલ રંગો પર પ્રતિબંધ, નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી થશે

પંચમહાલ: જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવ-2026ને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ પર્યાવરણ અને જળપ્રદૂષણ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ સમગ્ર જિલ્લામાં ગણેશ મૂર્તિઓની સ્થાપના અને વિસર્જન માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જાહેરનામા મુજબ, ગણેશજીની મૂર્તિની મહત્તમ ઊંચાઈ 9 ફૂટથી વધુ રાખી શકાશે નહીં. મુખ્ય માર્ગો પર આવેલા CCTV કેમેરા, વીજ લાઈનો અને વિસર્જન રૂટ પરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્યાવરણના સંરક્ષણને પ્રાથમિકતા આપતાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP), પ્લાસ્ટિક અને થર્મોકોલથી બનેલી મૂર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૂર્તિઓ માટે માત્ર પરંપરાગત ચીકણી માટીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, ઝેરી કેમિકલવાળા રંગોના બદલે કુદરતી અને પાણીમાં સરળતાથી દ્રાવ્ય રંગો તથા શણગાર સામગ્રીનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.
વિસર્જન પહેલાં મૂર્તિ પરના શણગાર અને વસ્ત્રો દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી જળપ્રદૂષણ ટાળી શકાય. સાથે જ અન્ય ધર્મોની લાગણી દુભાય તેવા કોઈપણ પ્રકારના ચિહ્નો અથવા આકૃતિઓ ધરાવતી મૂર્તિઓ બનાવવી કે વેચવી નહીં તે અંગે પણ સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.
મૂર્તિકારો અને વેપારીઓને વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા તેમજ ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં ન છોડવાની સૂચના આપવામાં આવી છે. આ નિયમો જિલ્લાના અંદર તેમજ બહારથી મૂર્તિઓ લાવી વેચાણ કરતા તમામ વેપારીઓને સમાન રીતે લાગુ પડશે.
આ જાહેરનામું 28 સપ્ટેમ્બર 2026 સુધી સમગ્ર પંચમહાલ જિલ્લામાં અમલમાં રહેશે. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
