પંચમહાલના નવનિયુક્ત પંચાયત સભ્યો માટે ગોધરામાં ક્ષમતાવર્ધન તાલીમ શિબિર, ગ્રામ વિકાસને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત BRGF ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ પારદર્શિતા અને લોકસેવાના સંકલ્પ સાથે કાર્ય કરવાની અપીલ કરી

પંચમહાલ: પંચમહાલ જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતોમાં તાજેતરમાં ચૂંટાયેલા નવનિયુક્ત સભ્યોને પંચાયતી રાજ વ્યવસ્થાની કામગીરી, જવાબદારીઓ અને વિકાસલક્ષી યોજનાઓ અંગે વધુ સક્ષમ બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત ગોધરા સ્થિત BRGF ભવન ખાતે એકદિવસીય ‘કેપેસિટી બિલ્ડિંગ’ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિયુક્ત જનપ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારવાનો તેમજ પંચાયતી રાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવી ગ્રામ વિકાસની યોજનાઓનું અસરકારક આયોજન અને અમલીકરણ સુનિશ્ચિત કરવાનો હતો.

ગાંધીનગરથી આવેલી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની નિષ્ણાત ટીમે તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાની રચના, સ્થાનિક સ્વરાજની ભૂમિકા, વિકાસ યોજનાઓના અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદાર વહીવટ સહિતના વિવિધ વિષયો પર સભ્યોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામ વિકાસની સૌથી મહત્વપૂર્ણ કડી છે. લોકોના વિશ્વાસને જાળવી રાખવા માટે દરેક સભ્યે નિષ્ઠા, પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કાર્ય કરવું જોઈએ.” તેમણે સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ગામડાંના દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે સભ્યોને સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નવનિયુક્ત પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ દરમિયાન સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પંચાયતી રાજની વિવિધ કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમને ગ્રામ વિકાસને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.