ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
સેટેલાઇટ વિસ્તારમાં ઘરની સફાઈ કરવા આવેલા બે યુવકો લોકરમાંથી દાગીના લઈને ફરાર, પોલીસ તપાસ શરૂ

અમદાવાદ: સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે હાઉસ ક્લીનિંગ સર્વિસ બુક કરાવતા પહેલા પૂરતી ચકાસણી કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઘરની સફાઈ કરવા આવેલા બે યુવકો લોકરમાંથી સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારના જોધપુર વિસ્તારમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા રશ્મીબહેન શાહના ઘરે આ ઘટના બની હતી. રશ્મીબહેનની પુત્રી મુંબઈથી વેકેશન માટે અમદાવાદ આવી હોવાથી ઘરની સફાઈ કરાવવા માટે તેમની ભત્રીજી વહુ એશાએ સોશિયલ મીડિયા પર જોવા મળેલી એક હાઉસ ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતો.
સોશિયલ મીડિયા પર આવેલી જાહેરાતના આધારે ‘ચામુંડા ક્લીનિંગ સર્વિસ’ના પ્રકાશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બીજા દિવસે બે યુવકો ઘરની સફાઈ માટે આવ્યા હતા અને સફાઈનું કામ પૂર્ણ કર્યા બાદ રૂ. 3,700 સર્વિસ ચાર્જ લઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
સાંજે ઘરની તપાસ દરમિયાન રશ્મીબહેનને લોકરમાંથી કેટલાક સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારબાદ કરાયેલી પ્રાથમિક તપાસમાં શંકા હાઉસ ક્લીનિંગ માટે આવેલા બંને યુવકો પર ગઈ હતી. ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદના વાડજ વિસ્તારમાં પણ આવી જ પ્રકારની ઘટના સામે આવી હતી. વાડજ પોલીસે કમલેશ કીર અને ગોવિંદ કીર નામના બે યુવકોની ધરપકડ કરી હતી, જેઓ સોશિયલ મીડિયા પર હાઉસ કીપિંગ સર્વિસની પ્રોફાઇલ બનાવી ઘરોમાં સફાઈના બહાને પ્રવેશ મેળવતા અને બાદમાં સોનાના દાગીનાની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
આ ઘટનાના પગલે પોલીસ દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પરથી કોઈપણ હાઉસ ક્લીનિંગ અથવા અન્ય ઘરેલુ સેવાઓ બુક કરતા પહેલા કંપનીની વિશ્વસનીયતા, કર્મચારીઓની ઓળખ અને અગાઉના ગ્રાહકોના પ્રતિસાદની ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.
ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી અને કિંમતી સામાન તથા દાગીનાઓ સુરક્ષિત સ્થળે રાખવા પણ જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
