ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
શિક્ષક સંગઠનોના વિરોધ અને વધતા વિવાદ વચ્ચે મંત્રીએ પોતાના શબ્દો પરત ખેંચ્યા

ગોધરા: શિક્ષકો અંગે કરાયેલા વિવાદિત નિવેદનને લઈને રાજ્યભરમાં ઉઠેલા વિરોધ બાદ રાજ્યના કૃષિ મંત્રી શ્રી રમેશ કટારાએ આખરે જાહેરમાં ખેદ વ્યક્ત કરીને માફી માગી છે. ગોધરા ખાતે યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દરમિયાન આપવામાં આવેલા નિવેદનને લઈને સર્જાયેલા વિવાદ બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, “કાર્યક્રમ દરમિયાન મારાથી જે શબ્દો બોલાઈ ગયા તે બદલ હું દિલગીર છું. હું મારા શબ્દો પાછા ખેંચું છું અને શિક્ષક સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો ક્ષમા માગું છું.”
ઉલ્લેખનીય છે કે ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકોના પગાર અને કામગીરી અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “8મું અને 10મું પગારપંચ મળ્યા પછી પણ કેટલાક લોકોની ભૂખ ભાગતી નથી.” સાથે જ તેમણે કેટલાક શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીશ્રીના આ નિવેદન બાદ રાજ્યભરના શિક્ષક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. વિવિધ શિક્ષક સંઘોએ નિવેદનને શિક્ષક સમાજનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે વ્યાપક ચર્ચા જોવા મળી હતી.
વિવાદ સતત વધતો જતા અને શિક્ષક સમાજમાં નારાજગીનો માહોલ સર્જાતા કૃષિ મંત્રીએ આખરે પોતાનું નિવેદન પાછું ખેંચીને જાહેરમાં માફી માગી છે. તેમણે શિક્ષકોના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે શિક્ષકો દેશ અને સમાજના ભવિષ્યના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે પોતાને સંપૂર્ણ આદર છે.
મંત્રીશ્રીની માફી બાદ છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
