કોલકાતા: ગત ચુટણીમા ઉપયોગમાં લેવાયેલ અંદાજે 4,000 EVM મશીનો બળીને ખાખ, તોડફોડની શક્યતા અંગે તપાસ શરૂ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

આલિપોર સ્થિત 9 માળની સરકારી ઈમારતમાં આગ બાદ રાજકીય ગરમાવો, ફોરેન્સિક તપાસ માટે SITની રચના

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના આલિપોર વિસ્તારમાં આવેલી એક સરકારી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અંદાજે 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) બળીને ખાખ થઈ ગઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઘટનાને લઈને તોડફોડ (Sabotage) અથવા કોઈ કાવતરાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આ 9 માળની સરકારી ઈમારતમાં દક્ષિણ 24 પરગણા જિલ્લા પરિષદ કચેરી, જિલ્લા વન અધિકારી (DFO) કચેરી, સર્વ શિક્ષા અભિયાન સહિતના વિવિધ સરકારી વિભાગોની કચેરીઓ કાર્યરત છે. આગ બુધવારે બપોરે લાગી હતી.

રાજ્યના અગ્નિશામક અને ઇમરજન્સી સેવા રાજ્યમંત્રી કૌશિક ચૌધરીએ જણાવ્યું હતું કે ઈમારતના નવમા માળે સંગ્રહિત રાખવામાં આવેલા તમામ EVM મશીનો આગમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તેમના જણાવ્યા મુજબ આ મશીનોનો ઉપયોગ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલકાતા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણાની ઓછામાં ઓછી 10 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવ્યો હતો.

આગની ઘટનામાં અનેક સવાલો

મંત્રી કૌશિક ચૌધરીએ પ્રાથમિક તપાસના આધારે કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગ શરૂઆતમાં ત્રીજા અને ચોથા માળે લાગી હોવાનું સામે આવ્યું છે, પરંતુ પાંચમા, છઠ્ઠા અને સાતમા માળને કોઈ નુકસાન ન થતાં સીધી આઠમા અને નવમા માળ સુધી આગ કેવી રીતે પહોંચી તે એક ગંભીર તપાસનો વિષય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ પણ મોડેથી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ તેમજ જિલ્લા તંત્ર દ્વારા અલગ-અલગ તપાસ શરૂ કરવામાં આવી છે.

SIT અને ફોરેન્સિક તપાસ શરૂ

આલિપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ચાર સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે. સાથે જ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવાની જવાબદારી સોંપવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ફોરેન્સિક રિપોર્ટ મળ્યા બાદ જ આગ અકસ્માતે લાગી હતી કે પછી કોઈ ઇરાદાપૂર્વક કરાયેલ કૃત્યનું પરિણામ હતી તે અંગે સ્પષ્ટતા થઈ શકશે.

રાજકીય ગરમાવો

આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ (ECI) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પાર્ટીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે આગમાં નષ્ટ થયેલા EVM, બેલેટ યુનિટ અને VVPAT મશીનો કસબા, જાદવપુર, બેહાલા ઈસ્ટ, બેહાલા વેસ્ટ, મેટિયાબ્રુઝ, સતગાછિયા સહિત ડાયમંડ હાર્બર સબ-ડિવિઝનના અનેક મતવિસ્તારો સાથે સંકળાયેલા હતા.

પાર્ટીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અગાઉ ન્યાયિક હસ્તક્ષેપ દ્વારા EVM અને CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની માંગ કરવામાં આવી હોવા છતાં આવી ઘટના કેવી રીતે બની? સાથે જ આ માત્ર અકસ્માત હતો કે પછી લોકશાહી સાથે ચેડાંના પુરાવા નષ્ટ કરવાનો કોઈ પ્રયાસ હતો તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ફોરેન્સિક તેમજ SIT રિપોર્ટ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.

આ પણ વાંચો :-